સોળ સોમવારની વાર્તા
વ્રતની વિધિ :
શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવપૂર્વક અને શ્રધ્ધાપૂર્વક શંકરજી અને પાર્વતીજીની પુજા કરવી અને તે દિવસે એકટાણું કરી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી.
વાર્તા :
કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે. રમત જામી છે, પણ કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી. એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો, એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કે કોની હાર થઈ અને કોની જીત થઈ. ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે.
એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. બીજીવાર પર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે બ્રાહ્મણ એમ જ બોલ્યો. હવે શિવજીનો વારો આવ્યો, શિવજી એ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા.
ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પર્વતીજીના ક્રોધનો પર ન રહ્યો. એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપિતિયો કોઢ ફૂટી નીકળશે.
શ્રાપ આપતાં જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો, પરુ વહેવા લાગ્યું. બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાશ પર થી નીચે ઉતાર્યો. આગળ ચાલતા રસ્તામાં એક ગાય મળી. ગાયને વાચા ફૂટતા પુછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાવ છો ?
બ્રાહ્મણ બોલ્યો કે પર્વતીજી મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છુ.
ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાવ, દૂધ થી મારા આંચળ ફાટું ફાટું થાય છે પણ કોઈ મારૂ દૂધ મોઢે લગાડતું નથી. વાછરડા લવારા ધાવતા નથી. મારા એવા તે કયા પાપ હશે ? તમે મારા દુખનું નિવારણ પૂછતા આવજો.
ત્યાંથી આગળ જતાં એક પંચ કલ્યાણી ઘોડો સામો મળ્યો. શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે ભ્રમદેવ મારી પીઠ પર હીરા-મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તો તમે મારા કષ્ટનું નિવારણ પૂછતાં આવજો.
આગળ જતાં બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો. પાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઇચ્છા થઈ, ત્યાં જ આંબાને વાચા ફૂટી. આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાવ છો તો મારૂ કષ્ટ પણ સાંભળતા જાવ. મારા ફળ કોઈ ખાતું નથી. ખાય છે તે મૃત્યુ પામે છે તો મારા શ્રાપનું નિવારણ પૂછતાં આવજો.
ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો. ત્યાં એક જીર્ણશીર્ણ શિવાલય જોયું. બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો. જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યું. અન્ન-જળ અને ફળ-ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા. વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતાં રડતાં બોલ્યો કે મારી કોઢ મટાડો.
ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારૂ સોળ સોમવારનું વ્રત તું કર. એના પ્રભાવે તારા સર્વે દુ:ખ ટળશે.
બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો.
શિવજીએ વ્રતની વિધિ જણાવી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુતરના દોરાની સેર લઈ ચાર ગાંઠ વાળવી. પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી, પછી એક ટાણું કરવું. કારતક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા શેર ઘઉનો લોટ, સવા સેર ઘી, સવા શેર ગોળ લઈ તેના લડવા કરવા. લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને, બીજો ભાગ રામતા બાળકને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું. રાત ન રાખવો. આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી થશે.
હર્ષાશ્રુ સારતા બ્રાહ્મણ ગદ ગદ કંઠે ગાય, ઘોડો, આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પુછ્યું ત્યારે શિવજી બોલ્યા.
'હે તપોધન ! એ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો. એણે ધાવતા બાળક તરછોડેલા. એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું એણે દોહીને એ દૂધ મારા લિંગ પર ચઢાવજે, તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે.'
પછી શિવજીએ ઘોડાના પાપ વિષે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો. જૂઠી વાણી અને જુઠા ત્રાજવા-કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલાં બાંધ્યા. કૈંકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા. એ પાપના લીધે એની આવી દશા થઈ છે. તું મારૂ નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે.
ત્યાર બાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો. સાચા-ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાઇનું પુણ્ય ન કર્યું. એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે. એ પુણ્યના લીધે આંબાની કેરી અમ્રુત જેવી થશે.
છેલ્લે ભગવાન શિવ મગરનું દુ:ખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો. ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું. આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો અને એ જ્ઞાન આ જન્મે એણે રૂંવે રૂંવે કાળી બળતરા કરે છે. તું એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે, એટ્લે એની બળતરા દૂર થશે.
ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો. પ્રથમ મગરનાં કષ્ટનું નિવારણ કર્યું. મગરે એણે જ્ઞાન આપ્યું. જ્ઞાન આપવાથી મગરન કષ્ટથી મુક્ત થયો. પછી આંબા પાસે જઈને ધનના ચાર ચરુ કાઢ્યા. તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમ્રુત સમાન થયા.
આગળ જતાં ઘોડો મળ્યો. મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું. પછી ગાય મળી. બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા.
બ્રાહ્મણ હરખતો હરખતો ઘેર આવ્યો. પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કયું. કારતક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવર્ણી થઈ ગયી. જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું.
એક દિવસની વાત છે. નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો. દેશો-દેશના રજાઓ કુંવરી વરવા આવ્યા. સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપ-રૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી. બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો, એક ખૂણે ઊભો રહ્યો.
સમય થતાં કનકલતા સોળે શણગાર સજીને આવી. એની સાથે એક થી એક એવી દાસીઓ હતી. આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી. સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને, ખૂણામાં ઉભેલા તપોધન પાસે જઈને એના પર કળશ ઢોળ્યો. આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે. એટલામાં તો હાથણીને વાચા ફૂટી, એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર જ યોગ્ય છે.
રાજાએ ધામધૂમથી કુંવારીને તપોધન સાથે પરણાવી. હીરા-માણેકની પહેરામણી કરી. હાથી-ઘોડાના રથ દીધા. બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવારના વ્રતનો જ આ પ્રભાવ છે.
રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે થી મહેલમાં રહેવા લાગ્યો. રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી.
એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું. વ્રત પૂર્ણ થયે ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની વિધિ વિગતે સમજાવી.
રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કઈ ભાવતા હશે ! એણે તો ભાતભાતના ભોજન બનાવ્યા. રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા-મીઠાઇ જોઈ કોપાયમાન થયો. ગળગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો અને ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું.
આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ, એણે મારૂ વ્રત તોડ્યું છે. તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો. રાણી આજીજી કરતી રડવા લાગી, પગે પાડવા લાગી પણ તપોધન ચલિત ન થયો. રાણીએ હદ પર કરી હતી.
ભૂખી-તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામના પાદરે જુંપડામાં રેંટિયો કાંતતી ડોસી ઘણી દયાળુ હતી. રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું. રાણીએ રહેવા આશરો માંગ્યો તો ડોસીએ હા પાડી. એ તો ડોસીના ઘરમાં છાણ-વાશીદું કરવા લાગી. પણ રાણીના પગલાં પડતાં જ ડોસીનો રેંટિયો તૂટી ગયો. ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી.
રડતી કકળતી, ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણના ઘેર ગયી અને અર્ધા રોટલાના બદલામાં બધુ કામ કરવા તૈયાર થઈ. મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ? ઘાંચણે તો રાણીને રાખી લીધી. ત્યાં તો એનો ધણી માંદો પડ્યો, ઘાણી બંદ થઈ ગયી અને બળદનો પગ ભાંગી ગયો. ઘાંચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી.
પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા. માલણે પણ રાણીને કાઢી મૂકી.
રાણીની આંખે અંધારા આવવા લાગ્યા, ગળે કાંચકી બાજી ગયી અને જીવ નીકળું નીકળું થવા લાગ્યો. એ તો પાદરે ગયી. કુવે પાણી સિંચતી પાણિયારીને પાણી પીવાની આજીજી કરી. એની હાલત જોઈને પાણિયારીને દયા આવી ગયી પણ જ્યાં એ પાણી પીવા ગયી ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો. પાણિયારીએ અભાગણી કહીને કાઢી મૂકી.
રાણીને ખાત્રી થઈ ગયી કે હવે કોઈ એણે સંઘરે એમ નથી. હવે તો જંગલમાં જઈને દેહ પડવો રહ્યો. રાણી તો લથડિયા ખાતી કાંટા-કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગયી. રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો, એ તો ત્રિકાળ જ્ઞાની હતા. તેમણે રાણીને આશરો આપ્યો, જમાડી અને પછી કહેવા લાગ્યા કે 'હે બેટી ! શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે. વળી તે તો દેવોના દેવ એવા મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે. જેના પર શિવ રૂઠે એને કોઈ જીવ ના સંઘરે.'
આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી, ' હે ઋષિ ! તમે મારા પિતા સમાન છો. કૃપા કરીને આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય દેખાડો.'
ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહયું. રાણી કનકલતાનું હ્રદય પશ્ચાતાપની યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું, પવિત્ર શ્રાવણ માસ આવતા જ વ્રત કરવાનું શરૂ કર્યું અને વ્રત પૂર્ણ થતાં શ્રધ્ધા અને ભાવપૂર્વક ઉજવણું કર્યું. જેથી ભોળા શંભુએ પ્રસન્ન થઈ રાણીના સર્વે દોષ માફ કર્યા અને રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી.
એ જ રાતે તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહયું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની ગયી છે માટે તું જા તેને વાજતે ગાજતે મહેલે લઈ આવ.
વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રુડી-રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગયી છે. રાજા જંગલમાં આવ્યો. અત્રિઋષિના આશ્રમે રાણીને જોતાં જ બન્નેની આંખમાં હરખના આંસુ આવી ગયા. બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષયપાત્ર આપ્યું. હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ના ખૂટે એવું એ પાત્ર હતું.
હરખના આંસુ સારતા રાજા-રાણી નગર તરફ પાછા ફર્યા. ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણિયારી મળી. કનકલતાએ અક્ષયપાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો. પાણિયારીએ આ ચમત્કારનું કારણ પુછ્યું તો રાણીએ સોળ સોમવારનો મહિમા જણાવ્યો.
આગળ જતાં માલણનો બાગ આવ્યો. કનકલતાના પગલાં પડતાં જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા. માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગયી. એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
આગળ જતાં ઘાંચણની ડેલી આવી. રાણીના પગલાં પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો અને ઘાંચીની કાયા કંચનવર્ણી થઈ ગયી. આ ચમત્કાર જોઈ ઘાંચણ તો રાજી રાજી થઈ ગયી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
આગળ જતાં રેંટિયો કાંતતી ડોશીની ઝૂંપડી આવી, બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે. એની આજીવિકા તૂટી ગયી. કનકલતાએ રેંટિયા પર હાથ ફેરવતા રેંટિયો આપમેળે ચાલવા લાગ્યો. ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા.
ચાલતા ચાલતા રાજા-રાણી મહેલે આવ્યા. નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતી કાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે.
કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરવા લાગ્યા. જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું. સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતાં આંગળા ચાટવા લાગ્યા.
સૌ જમી રહ્યા પછી રાજા-રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી " મારે તો આજે મહાદેવનું વ્રત છે, કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારા થી એકટાણું કરાય." વાર્તા સાંભળે કોણ ? રાજાએ તો સવારે જ જમી લીધું હતું. તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને લાવો.
પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો. એક કુંભારના ઘેર સાસુ-વહુ ઝ્ઘડયા હોવાથી સાસુ જમી ન હતી. વળી એ સો વર્ષની ડોશી હતી એટ્લે ડગલુય ચાલી શકતી. આંખે ભાળતી નહિ, કાને સંભળાતું નહિ. એને જમવા લઈ કોણ જાય ?
પ્રધાને તરત સુખપાલ માંગવી અંદર સવા મણની તળાઈ પાથરી ડોશીને વાજતે ગાજતે મહેલે લવાઈ. માન પાન આપી ઢોલીયે બેસાડી કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતાં મોટેથી કહયું કે માં હું મહાદેવની વાર્તા કહું છુ તમે જય શંકર કહી હોંકારો દેજો.
કનકલતા તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી, ડોશી હોંકારો દેવા લાગી. પહેલા હોંકારે કાનની બહેરાશ ગયી, બીજા હોંકારે આંખમાં અજવાળા થયા, ત્રીજા હોંકારે શરીરમાં નવી શક્તિ આવી. ડોશી તો બોલી ઉઠી "દીકરી, મહાદેવ મારા પર રીઝયા".
ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી, ગળગળા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારનાં વ્રતનો પ્રભાવ છે. તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે. ત્યારે ડોશીની આંખમાં હરખનાં આંસુ આવી ગયા.
ડોશી તો પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરોવ્યો તો વહુ આભી થઈ ગયી. એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા-રાણીએ ફરી વ્રત આદર્યા અને કારતક માસે ઉજવણુ કર્યું. પ્રસન્ન થયેલા શિવજીએ તેમને દેવના ચક્કર જેવો દીકરો દીધો, એનું નામ દેવદત્ત રાખ્યું. એ પણ માં-બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો.
દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા-રાણી એણે રાજગાદી સોંપી ગાંગકિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી. જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતાં રહ્યા અને અંતે વિમાનમા બેસીને વૈકુંઠ ગયા.
હે મહાદેવ ! તમે જેવા તપોધન અને કનકલતાને ફળયા એવા વ્રત કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો.
ૐ નમ: શિવાય
Comments
Post a Comment